રેટિંગ અપગ્રેડ થતાં ટાટા મોટર્સનો શેર 52 સપ્તાહની ઉંચાઇએ

જેએલઆર દ્વારા અનેક પ્રોડક્ટોનું લોન્ચિંગ અને ચીનમાં મંદીનાં ઓછા થઇ રહેલા ભયને પગલે ટાટા મોટર્સ આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે, તેમ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની CLSA એ પોતાની એક યાદીમાં જણાવ્યું છે.
આ અહેવાલને પગલે ટાટા મોટર્સનો શેર આજે શરૂઆતનાં ટ્રેડિંગમાં 5 ટકા વધી 329.50 રૂપિયાની તેની 52 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
વિતેલ 2012નાં વર્ષમાં ટાટા મોટર્સ સેન્સેક્સની ટોપ પર્ફોમિંગ કંપનીઓમાઁથી એક રહી છે. કંપનીનો શેર ગયા વર્ષે 75 ટકા જેટલો વધ્યો છે, તેની સામે સેન્સેક્સ આ જ સમયગાળા દરમિયાન 26 ટકા જ વધ્યો હતો.
એશિયા પેસિફીક ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી બ્રોકર અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની સીએલએસએ એ ટાટા મોટર્સનું રેટિંગ 'outperform' થી વધારીને 'buy' કર્યું છે. કંપની જેગુઆર અને લેન્ડ રોવરની વધુ પ્રોડક્ટો લોન્ચ કરશે તેવા અહેવાલોનાં બળે આ રેટિંગ અપગ્રેડ કરાયું છે.








