ટાટા પાવરે મુંદ્રા પ્રોજેક્ટમાં 800 મેગાવોટનાં નવા યુનિટનો કર્યો ઉમેરો

ટાટા પાવરે આજે જણાવ્યું હતું કે તેણે મુંદ્રા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ ખાતે 800 મેગાવોટનાં વધુ એક યુનિટને તૈયાર કર્યું છે. જેનાં પગલે આ પ્રોજેક્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા વધીને 7699 મેગાવોટ થઇ છે.
દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની ગુજરાતમાં 4000 મેગાવોટનો મુંદ્રા યુએમપીપી પ્લાન્ટ તૈયાર કરી રહી છે અને કંપનીએ પ્લાન્ટ ખાતે 800 મેગાવોટનાં યુનિટને ઉમેર્યું છે. આની સાથે ટાટા પાવરની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 7699 મેગાવોટ થઇ છે, તેમ કંપનીએ જણાવ્યું છે. કુલ ક્ષમતામાંથી થર્મલ પાવરનો હિસ્સો 6847 મેગાવોટ છે.
દેશમાં તીવ્ર વીજ અછતને જોતાં મુંદ્રા યુએમપીપીમાં ચોથા યુનિટનો ઉમેરો મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, તેમ ટાટા પાવરનાં મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું.
વીજ ઉત્પાદક યુનિટને તૈયાર કરવાનો મતલબ વીજ ઉત્પાદન યુનિટની કામગીરીની શરૂઆત પહેલાનું પગલું. પહેલા ત્રણ યુનિટો, જે પ્રત્યેક 800 મેગાવોટનાં છે, તેમની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી હતી.
ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની ગૌણ કંપની કોસ્ટલ ગુજરાત પ્રોજેક્ટ લિમીટેડ કોલસા આધારિત મુંદ્રા યુએમપીપીનું કામકાજ સંભાળે છે. આ કંપનીએ પાંચ રાજ્યોનાં સાત પુરવઠા પુરા પાડનારાઓ સાથે વીજ ખરીદી માટેનાં કરાર કર્યા છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે.
કોલસાની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાથી મુશ્કેલીમાં ફસાયેલી ટાટા પાવર વીજ વપરાશ દરોમાં વધારા માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી) સમક્ષ પહોંચી છે.








