ફક્ત 1 દિવસ કામ કરવાનો પગાર મળ્યો કરોડો ડોલરમાં

-કંપનીઓનું મર્જર થતા બેમાંથી એકના એક્ઝીક્યુટીવને નિમાયા હતા સીઇઓ -એક દિવસથી ઓછા સમય માટે 4.4 કરોડ ડોલરનું પેકેજ
કોઇ વ્યક્તિને એક દિવસની કામગીરી માટે કરોડો ડોલર મળે તો? વાત માનવામાં નથી આવતી ને. પાણ વાત સાચી છે. એક સીઇઓને એક જ દિવસ સીઇઓ તરીકે કામ કરવા બદલ 4.4 કરોડ ડોલર ચૂકવવામાં આવ્યા હતા, તેમ હફિંગ્ટન પોસ્ટમાં જણાવાયું છે.
કોર્પોરેટ જગતમાં ભાગ્યે જ જોવા મળતા એવા જોડાણમાં યુએસની ઇલેક્ટ્રીક પાવર હોલ્ડીંગ કંપની ડ્યુક એનર્જીનું તાજેતરમાં જ પ્રોગ્રેસ એનર્જી નામની કંપનીમાં મર્જર થયું હતું, તેમ લોસ એન્જલસ ટાઇમ્સ જણાવે છે. મર્જરના એગ્રીમેન્ટમાં જણાવાયું હતું કે નવી કંપનીમાં પ્રોગ્રેસના વિલિયમ જ્હોનસન સીઇઓ અને ડ્યુકના જેમ્સ રોજર્સ એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકે રહેશે, તેમ ન્યુ યોર્ક ટાઇમ્સ જણાવે છે.
પણ મર્જર પૂર્ણ થયું અને જ્હોનસનને સંયુક્ત કંપનીના સીઇઓના પદે બેસાડવામાં આવ્યા તેના થોડા કલાકોમાં જ બોર્ડ ઓફ ડિરેક્ટરે જ્હોનસનનું રાજીનામું માંગી લીધું અને રોજર્સને સંયુક્ત કંપનીના સીઇઓ બનાવ્યા. જ્હોનસને સીઇઓ તરીકે માંડ એક દિવસ કામ કર્યું હતું, તેના માટે તેમને 4.4 કરોડ ડોલરનું વળતર પેકેજ આપવામાં આવ્યું, તેમ ફોર્બ્સના અહેવાલમાં જણાવાયું છે.
પ્રોગ્રેસના એક પૂર્વ ડિરેક્ટરે આ ઘટનાને યુએસમાં બિઝનેસના ઇતિહાસના સૌથી મોટા કોર્પોરેટ હાઇજેકિંગમાંથી એક ગણાવી છે.
જ્હોન્સનની કોઇ પણ જાતની સ્પષ્ટતા કર્યા વિનાની હકાલપટ્ટી સંયુક્ત કંપનીના વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. આવી ઘટનાઓ યુએસમાં પહેલા પણ બની ચૂકી છે.








