ડીજીસીએના વડાને પદ છોડી દેવા જણાવાયું

તાત્કાલિક અસરથી લેવાયેલા નિર્ણયમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા ઇ કે ભારત ભુષણને પોતાનું પદ તાત્કાલિક છોડી દેવા જણાવ્યું છે. ભુષણ મંત્રાલયમાં અધિક સચિવ તરીકેની કામગીરી જારી રાખશે. તાજેતરમાં જ ડીજીસીએના વડા તરીકેના તેમના કાર્યકાળની મુદ્દત લંબાવાઇ હતી.
ભુષણને હટાવવા માટેના કારણ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર ટીપ્પણીઓ કરવામાં આવી નથી. ભુષણે પોતાનો ચાર્જ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત નારાયણ સુકુલને સોંપી દીધો છે, જેઓ હવે ડીજીસીએના વડા તરીકે કામ કરશે. સુકુલ એર ઇન્ડિયાના બોર્ડમાં ડિરેક્ટર પણ છે.
ઉડ્ડયન ક્ષેત્રના નિયંત્રક સંગઠનના વડા તરીકેની 20 મહિનાની કામગીરી દરમિયાન તેમણે ઘણા કેસનું સંચાલન કર્યું હતું. જેમાં નકલી પાઇલોટના કૌભાંડ તેમજ ફ્લાઇંગ સ્કુલો દ્વારા રેકોર્ડ સાથે કરાયેલા ચેડા જેવા કેસનો સમાવેશ થાય છે. તેમણે સુધારા માટેના પગલા પણ લીધા હતા. આ ઉપરાંત તેમણે નુકસાન કરી રહેલી એર ઇન્ડિયા અને કિંગફિશર એરલાઇન્સને તેમના સ્ટાફને બને તેટલી ઝડપથી તેમનું બાકી વળતર ચૂકવવા પણ કહ્યું હતું.








