Advertisement
Home >> Personal Finance >> Money Mantra >> Retirement Mentality, Peace

નિવૃત્તિની માનસિકતા: શાંતિ કે પરિતાપ?

Gaurav Masharuwala, Ahmedabad | Feb 20, 2012, 01:19AM IST
 
 

નાણાંની વાત
ગૌરવ મશરૂવાલા


આજે આપણે નિવૃત્તિ વિશેના મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. નિવૃત્તિ માટેનું આયોજન આંકડાની માયાજાળ છે કે પછી માનસિક પરિતાપ? નિવૃત્ત થયા બાદ તમારી પાસે કેટલા પૈસા હોય તો તમને સંપૂર્ણ માનસિક શાંતિ મળે? મોટા ભાગે લોકો અમુક રકમ ભેગી થાય પછી જ નિવૃત્ત થવું એવું વિચારતા હોય છે. પછીથી તેઓ એ આંકડા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો હંમેશની જેમ તેમની ઈચ્છાઓ જરૂરિયાતો કરતાં વધી ગયેલી હોય છે. આમ, ફરજિયાત ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ નિવૃત્ત થતો હોય છે. આપણે જોઈએ છીએ કે નાના પાયે વેપાર કરનારાઓની બીજી પેઢી તે જ વ્યવસાયમાં ન આવી હોય તો તેઓ તબિયત સાથ આપે ત્યાં સુધી કામ કરવાનું છોડતા નથી. આવી સ્થિતિમાં આવક થતી રહે તો તેમને માનસિક સધિયારો મળે છે.

નિવૃત્ત વ્યક્તિને ભાવિ પેઢી પ્રત્યેની જવાબદારી નિભાવવાની પણ ચિંતા હોય છે. ઘણા વરિષ્ઠ નાગરિકોને એમ જ લાગતું હોય છે કે તેમનાં સંતાનો હજી મોટાં થયાં નથી. ગયા મહિને એક વૃદ્ધા તેમના પતિ સાથે મારી ઓફિસમાં આવ્યાં. તેમની પાસે નિવૃત્તિકાળનું ભંડોળ અઢી કરોડ કરતાં વધારે હતું. આમ છતાં તેમના પતિ નિવૃત્ત થવા ઈચ્છતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે તેમનો દીકરો હજી પોતાના વ્યવસાયમાં ઠરીઠામ થયો નથી અને તેથી તેમણે પરિવારની જવાબદારી સંભાળવી જરૂરી છે. વાસ્તવમાં તેમનો દીકરો સુશિક્ષિત છે અને તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ખરી રીતે તો તેમના પતિ જ પ્રવૃત્તિમય રહેવા માગે છે.

બીજી વાત નિવૃત્ત થવાથી સમાજમાં માન-મરતબો ઘટી જશે એવી ચિંતા પણ વરિષ્ઠ નાગરિકોને સતાવતી હોય છે. એક મોટી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સારી એવી રકમ લઈને નિવૃત્ત થયા હતા. તેમને નિયમિતપણે પેન્શન પણ મળવાનું હતું. વ્યાવસાયની માનસિક તાણને લીધે તેમનું આરોગ્ય કથળી ગયું હોવાથી ડોક્ટરોએ તેમને કામ તત્કાળ બંધ કરવાની સલાહ આપી હતી. આટલું બધું હોવા છતાં તેમણે નિવૃત્ત થતાં જ પોતાનાં નવાં વિઝિટિંગ કાર્ડ બનાવડાવ્યાં હતાં અને કન્સલ્ટન્ટ તરીકેની નવી કારકિર્દી શરૂ કરી દીધી હતી. નામાંકિત કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા બાદ પોતાનું કોઈ વિઝિટિંગ કાર્ડ ન હોય અને કોઈ હોદ્દો ન હોય એ હકીકત તેઓ સ્વીકારી શકતા ન હતા.

નિવૃત્તિ શબ્દ જ કહે છે કે માણસ ધંધો-વ્યવસાય કરવાનું બંધ કરે. જીવનનો આ સંક્રાંતિકાળ હોય છે. સંભાળ રાખનારમાંથી સંભાળ માગનાર તરીકેના પરિવર્તનનો આ સમય હોય છે. પોતે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આર્થિક તંગી નડે નહીં એ જ સૌ નિવૃત્ત વ્યક્તિઓની ઈચ્છા હોય છે. રોજીરોટી માટે પોતાની સંપત્તિમાંથી મળતા વળતર પર કે પછી બાળકો પર આધાર રાખવો પડે એ સ્થિતિ કોઈપણ વરિષ્ઠ નાગરિકને ગમતી નથી. આયુષ્ય પૂ રુંથવા પહેલાં સંપત્તિ પૂરી થઈ જાય એ પણ માનસિક સંતાપ આપનારી બાબત છે. આથી વાસ્તવિક જીવનમાં જોઈએ તો નિવૃત્તિકાળનું આયોજન આંકડાના ખેલ કરતાં માનસિક બાબત વધારે છે.

આપણે ઉપર જોઈ ગયા તે તથા અન્ય પરિસ્થિતિઓનો કોઈ એક ચોક્કસ ઉકેલ હોય એવું શક્ય નથી. તેનું કારણ એ છે કે ઘણી ચિંતાઓ વાસ્તવિકતા નહીં, પણ માનસિક ભ્રમને કારણે જન્મે છે. આપણે ગમે તેવો સારો તર્કબદ્ધ જવાબ આપશું તોપણ નિવૃત્ત વ્યક્તિને તેમની ચિંતામાંથી છુટકારો નહીં મળે.

આવા માનસિક પરિતાપમાંથી છુટવા માટેનો એકમાત્ર ઉકેલ પોતાની જાત સાથે સમાધાન કરી લેવાનો છે. કહેવામાં આ ઘણું સહેલું છે, પણ તેનો અમલ સૌથી વધુ મુશ્કેલ હોય છે.

મોટા ભાગના નિવૃત્ત લોકો પોતાનો ભૂતકાળ ભૂલવા તૈયાર હોતા નથી. પોતે ‘‘શ્રી મહેતા, જનરલ મેનેજર, એક્સવાયઝેડ લિમિટેડ’’ નહીં, પણ માત્ર ‘શ્રી મહેતા’ છે એ વાત પચાવવી ઘણી અઘરી છે. તેઓએ ભૂલી જતા હોય છે કે કારકિર્દી શરૂ કરતી વખતે તેઓ ફકત ‘શ્રી મહેતા’ જ હતા. લોકો તેમને તે વખતે જેટલો પ્રેમ કરતા હતા અને માન આપતા હતા એટલા જ પ્રમાણમાં પ્રેમ અને સન્માન તેમને અત્યારે પણ આપે છે. ફરક માત્ર એટલો છે કે પહેલાંના અને પછીના સમયગાળાના લોકો અલગ અલગ હોય છે.

બીજી વાત એ કે નિવૃત્ત લોકો પરિસ્થિતિ પરનું પોતાનું નિયંત્રણ જતું કરવા તૈયાર હોતા નથી. નાના પાયાના વેપારીઓ પોતાના પછીની પેઢીને સુકાન સોંપવા માગતા નથી. આના પરથી એમ પણ કહી શકાય કે તેમણે પોતે જ ઊછરેલી નવી પેઢીમાં તેમને પોતાને પણ વિશ્વાસ નથી. જુવાનિયાઓની કામ કરવાની શૈલી અલગ પ્રકારની હોઈ શકે છે, પણ જો તેઓ પરિવારનાં નીતિમૂલ્યોનું જતન કરતાં હોય તો તેમને પોતાની રીતે કામ કરવા દેવા જોઈએ.

મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે તેને કુબેરનો ભંડાર આપી દો તોપણ ધરવ નહીં થાય. પૈસામાં એવું કોઈ જ તત્વ નથી જે સંતોષ આપે. ઊલટાનું તે સંતોષની લાગણી કરતાં અસંતોષની લાગણીને જ જન્મ આપે છે. એક તબક્કે તો માણસે કેટલું પૂરતું થઈ રહેશે તે નક્કી કરી લેવાનું હોય છે અને ત્યાં જ અટકી જવાનું હોય છે.

નિવૃત્તિકાળ દરેકની માનસિકતા પ્રમાણે ઘડાતો હોય છે. જો તમે પોતાની જાત સાથે સમાધાન કરી લો તો જીવનનો આ સૌથી છેલ્લો અને સૌથી વધુ ઊથલપાથલભર્યો સમય ઓછો મુશ્કેલ બની જાય.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment